તમારી ઉંમર 10 વર્ષ ઓછી થઈ ગઈ એ તમને ખબર પડી? આ વાત અમે નથી કહી રહ્યા, પણ ચોંકાવનારા રિપોર્ટ કરી રહ્યા છે. ભારતમાં રહેતા લોકોનું અંદાજિત આયુષ્ય 10 વર્ષ સુધી ઘટી ગયું છે. આ તો માત્ર એક વાત સામે આવી છે. આવા અનેક આશ્ચર્યચકિત કરી દે એવા ઘટસ્ફોટ થયા છે, જે વાંચીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે…
પ્રદૂષણ…પ્રદૂષણ… એના પણ અનેક પ્રકાર છે. હવા, જમીન, પાણી, અવાજ…દરેક પ્રકાર વિનાશ કરવા સક્ષમ છે, પણ આપણે આજે માત્ર હવા(વાયુ) પ્રદૂષણની જ વાત કરીશું અને વાત કરવી એટલે પણ જરૂરી છે, કારણ કે હાલમાં જ કેટલાક અહેવાલ સામે આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની હવા ઝેર ઓકી રહી છે. તમે શ્વાસ નથી લઈ રહ્યા, પરંતુ નાક મારફત ઝેર લઈ રહ્યા હોય એવું સાબિત થયું છે. ગુજરાતના એર ક્વોલિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હવા સૌથી પ્રદૂષિત બની છે.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG), જે સરકારી ઓડિટ સંસ્થા છે. આ સરકારી ઓડિટમાં બહાર આવ્યું છે કે ગુજરાત સરકાર વર્ષોથી વાયુ-પ્રદૂષણમાં યોગદાન આપતા ખાનગી ઉદ્યોગોની ભૂમિકાની અવગણના કરી રહી છે. ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત માટે પ્રદૂષણ નિવારણ યોજનાઓ તૈયાર કરતી વખતે થર્મલ પાવર પ્લાન્ટ્સની ભૂમિકાને અવગણી હતી. ઓડિટ રિપોર્ટમાં એવાં અસંખ્ય ઉદાહરણો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જ્યાં સરકારે પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ થર્મલ પ્લાન્ટ્સ સિવાયના ઉદ્યોગોનાં નિયમન, દેખરેખ અને દંડ ફટકારવાની એની જવાબદારીથી પાછીપાની કરી છે. રિપોર્ટમાં કેટલાય ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે, જે આગળ સ્ટોરીમાં વાંચીશું.